aavaj moto kari ne sambharvu

Thursday, January 15, 2009

“રણછોડલાલને સણસણતી અંજલિઓ ! ”

માણસની જાત એટલે એટલી દંભી કે મરણપ્રસંગેય દંભ ના છોડે ! રોજેરોજ કેટલાયે મનુષ્યો મરે છે, એમાં બધા સજ્જનો જ હોય એવું લખી આપ્યું છે ? એમાં દાણચોરો, દારૂડિયાઓ, ખિસ્સાકાતરુઓ ને મવાલીઓય મરવાના ખરા કે નહીં ? તોયે એમનાં સ્વજનો તો એમના નામ આગળ ‘સ્વર્ગસ્થ’ જ વાપરવાના ! કોઈ ‘નર્કસ્થ’ છે જ નહીં ? લઠ્ઠો પીને મરી જનારાની તસવીરોયે એમના સ્વજનો છાપામાં છપાવે અને અંજલિ આપતાં પાછું તસવીર નીચે છપાવે… ‘ફૂલ ગયું ને ફોરમ રહી !’ એ દંભીઓને કોણ પૂછે કે હે મગજના લઠ્ઠ… એ ફૂલ લઠ્ઠો પીવા કેમ ગયેલું ? ને… એની ફોરમ હજી રહી છે ? (તો તો માર્યા ઠાર !)

તમે કોઈની શોકસભામાં જાવ તો તમને જાણવા મળે કે… મરનાર માત્ર વ્યક્તિ જ નહોતો પણ સંસ્થા સમાન હતો… અને એના જવાથી કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે ને… કોણ કહે છે કે એ મર્યો છે ? એ એના સ્વભાવ અને કાર્યોની સુવાસરૂપે આવનારી પ્રત્યેક ક્ષણમાં આપણા માટે જીવંત જ રહેશે… અરે અમર છે એ તો !… વગેરે. આવે સમયે મારું લોહી એવું તો ઊકળી ઊઠે છે કે એક ક્ષણ તો એવું થઈ આવે છે કે વક્તાનો ઘોઘરો ઝાલીને કહું કે….. મરનાર વિશે જો હવે એક પણ જુઠ્ઠો શબ્દ કહ્યો તો મરનારની સોગંદ ખાઈને કહું છું કે તને જીવતો નહીં છોડું !


હું તો કહું છું કે મરનારની શોકસભામાં દરેક વક્તાને મરનાર વિશે પોતાનું હૃદય જે કહેતું હોય તે અંજલિરૂપે કહેવા જેટલું વાણીસ્વાતંત્ર્ય મળવું જોઈએ ! આથી મરનારના આત્માને અશાંતિ મળે તોયે ભલે, પણ અનેક જીવતાઓના આત્માને શાંતિ મળે એ વધુ અગત્યનું ગણાય. જો આટલી જ છૂટ મળી જાય તો શોકસભાને ચાર ચાંદ લાગી જાય ! સમાજસુધારકોને નવી પ્રેરણા મળી રહે એ હતુથી એક વિશિષ્ટ પ્રકારની કાલ્પનિક શોકસભા વાચકો સમક્ષ મુકતાં મને હર્ષ થાય છે. ઓછામાં ઓછા આઠ-દસને પાડીને જ પડે એવા અમારા અડિખમ્મ રણછોડલાલને વાચકો ખાતર અબઘડી મારી નાખું છું (ફક્ત કલ્પનામાં !) અને આ સાથે એમના પરિચિતોને પણ છૂટ આપું છું કે રણછોડલાલ વિષે પોતાનું હૃદય કહે એ રીતે સણસણતી અંજલિઓ આપે અને કમ સે કમ પોતાના આત્માને શાંતિ અર્પે ! તો આ સંજોગોમાં શોકસભામાં કોણ કોણ કેવી અંજલિ આપે તે આપણે જાણીએ.

પ્રમુખ શ્રી પરમાનંદજી :

‘પરમાનંદની વાત છે કે…. એટલે કે મારી કહેવાની વાત એ છે કે.. રણછોડલાલ…. હરામખોર… નાલાયક… આ માઈકને શું થયું છે ? અલ્યા ભૈ આમાંથી સિસોટીઓ કેમ વાગે છે ? હલ્લો… હલ્લો.. વન ટુ થ્રી… હલ્લો… સ્વર્ગસ્થ રણછોડલાલ.. હલ્લો ! અલ્યા ભૈ ઠોયા જેવો શું ઊભો છે.. પેલો ડટ્ટો મૈડી નાંખ.. જો અવાજ ખુલે તો ! રણછોડલાલ મરી ગયા તે… બરાબર છે.. ઠીક છે… બસ એટલું વોલ્યુમ રાખો ! હમમમ… હા.. તો.. એ દા’ડો અમારે ત્યાં વેઢમી બનાવેલી ને હું જ્યાં જમવા પાટલે બિરાજ્યો ત્યાં જ ખબર આવી કે રણછોડલાલ હંમેશા માટે ઠરી ગયા છે તો… ગરમાગરમ વેઢમી ઠરે તે પહેલાં ખાઈને તરત મેં આવનાર સાથે નિરાંતે વાતચીત કરી. ભૈ માણસનું તો એવું ત્યારે ! રણછોડલાલને એકવીસમી સદીના અંત સુધી જીવવું હતું ને ઘડીના છઠ્ઠા ભાગમાં જુઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયા ! આમ તો મારે રણછોડ સાથે સંબંધો જૂના પણ ઉષ્મા વિનાના ! એની રગેરગ હું જાણું, એનામાં અવગુણો તો ભારોભાર… ને થોડા ગુણ પણ ખરા. ખરું પૂછો તો દિશાવિહીન નાવડા જેવું જીવન જીવ્યો અને ઘણું મથ્યો.. ખોટું મથ્યો ! જો કે એને ઝપાટે ચડનારની દિશા ભૂલવાડવાની ક્ષમતા એનામાં હતી એની ના નહીં ! જુવાનોને શરમાવે એવાં અવળાં કૃત્યો એણે કરેલાં… એમ તો મારે આ પ્રસંગે ન કહેવું જોઈએ… પણ ટૂંકમાં અડસઠ વર્ષની ઉંમરેય એનો જુસ્સો જુવાન જેવો હતો. જીવનપર્યંત એણે ઘણાને રડાવેલા એટલે કદાચ એની પાછળ કોઈ રડે કે ન રડે… પણ એટલું જરૂર કે આવી વ્યક્તિ અચાનક એની લીલા સંકેલી લે ત્યારે રાહતની લાગણીની સાથે સાથે એક શૂન્યાવકાશ જેવું પણ ઊભું કરી દે છે… એની જગા કોણ ભરી શકે ? રણછોડને તો કોઈની દયા કે દુઆની જરૂર નહોતી, વિચારવાનું તો એ છે કે એનો આત્મા કુદરતમાં ભળી ગયા પછી હવે કુદરતનું શું થશે ? કુદરતના આત્માને શાંતિ મળે… એ જ મારી હાર્દિક પ્રાર્થના ! જય રણછોડ !’

મકાનમાલિક શ્રી મફતલાલ :

‘રણછોડલાલ એટલે એક એવા માણસ જેને અંજલિ તો અપાય પણ મકાન ભાડે ના અપાય ! એમના દેહનું ખંડેર તો એ ખાલી કરી ગયા, પણ મારા મકાન પર હજી કબજો છે ! મકાનભાડુ ભૂલવાડવામાં તો એ એક્કા હતા. મને દૂરથી આવતો જુએ કે તરત જળબિલાડીની જેમ ઘરમાં ડૂબકી મારી જાય ને… એમનાં પત્નીનો એક જ જવાબ હોય – ‘એ ઘરે નથી !’ પત્યું ?’

‘આ વખતેય એવું જ બન્યું. ભાડું માગવા ગયો તો… આંગણામાં જ સમાચાર મળ્યા કે એ ઘેર છે છતાં નથી ! હું સમજ્યો કે તો તો…. કાયમ જેવો જ ત્રાગડો હોવાનો ! મેં તો ઘરમાં જઈને સીધું જ જણાવી દીધું કે આ રડારોળ શેની માંડી છે ? નાટક બંધ કરો… આ રણછોડલાલ ઓઢીને સૂતા છે એમને બેઠા કરો ! આજે હું ભાડુ લીધા વિના જવાનો નથી ! જ્યારે એમની પત્નીએ ફાટેલા રાગે ઠૂઠવો મૂક્યો ત્યારે કંઈક ખરેખર અમંગળ થયા જેવું લાગ્યું. પણ છતાં થોડી શંકા ગઈ કે કદાચ…. એટલે છેલ્લાં દર્શન કરવાને બહાને કપડું હટાવીને રણછોડલાલના હાથ પર એક ચૂંટલી પણ મેં તો ખણી જોયેલી ! જો કે એમને છેક ચિતામાં બળતા જોયા ત્યારે જ મેં વિશ્વાસ કર્યો કે એ ખરેખર મર્યા છે ! બાકી ભાડુ ભૂલવાડવા એ તો ગમે તે કરી છૂટે ! ટૂંકમાં વગર ભાડુ ચૂકવ્યે એ દા’ડે એમની પાવતી ફાટી ગયેલી’

‘ભાડુ ચૂકવવાને બદલે મરવાનું પસંદ કરે એવો એ માણસ કઈ માટીમાંથી ઘડાયેલો હશે એ તો કોણ જાણે ! પણ મારા મકાનમાં એનું કુટુંબ કઈ રીતે રહેતું હશે એનું મને આજે પણ આશ્ચર્ય છે. હકીકતમાં જો એ લોકો મકાન ખાલી કરી આપે તો મારે રબારીઓને ભાડે આપવું છે, જેથી ત્યાં ઢોર બાંધવાની ગમાણ બની શકે ! ત્યાં માણસ રહી શકે એમ છે જ નહીં ! ટૂંકમાં હવે રણછોડલાલ નર્કમાં જાય તોયે તેમને ત્યાં સ્વર્ગ જ લાગશે ! ને ત્યાં તો એમને ભાડુ પણ નહીં આપવું પડે ! તો આ રીતે એમની સદગતિ જ થઈ ગણાય.’

ફેમિલી ડૉક્ટર શ્રી ફણિધરભાઈ :

‘મારે માટે રણછોડલાલ એક વ્યક્તિ જ નહોતા બલ્કે મારી એક આગવી પ્રયોગશાળા સમાન હતા. મારે માટે એ આનંદની વાત હતી કે એમને સૂકી ખાંસી બાસે માસ રહેતી અને વિવિધ પ્રકારનાં દર્દો પણ એમને અવાર-નવાર થતાં રહેતાં ! એટલે એમની ખાંસી એ મારે માટે બાંધી આવક અને તેમને અવાર-નવાર થઈ આવતાં દર્દો મારે માટે બૉનસ સમાન હતાં.’

‘બે પૈસા રળવા ઈચ્છનાર ડૉક્ટરોએ હંમેશા યાદ રાખવું જોઈએ કે દર્દી કદી સાજો ન થવો જોઈએ તેમ જ મરવો પણ ન જોઈએ. રણછોડલાલને મેં ક્યારેય ખાંસીની સાચી દવા આપી નથી. મારા પગ પર હું કુહાડો શા માટે મારું ? રણછોડલાલના શરીરનું તંત્ર એવું જટિલ અને વિચિત્ર હતું કે એમનાં પર દવાઓના અવનવા પ્રયોગો કરવાનું મારે માટે અત્યંત રસપ્રદ થઈ પડેલું. સામાન્ય રીતે આવા પ્રયોગો વાંદરા-કૂતરા પર કરાતા હોય છે ! રણછોડલાલ મરી ગયા એ મારે માટે એક મોટું આશ્ચર્ય છે. દવાને નામે મેં એમને ડામરની ગોળીઓ અને ક્યારેક તો પ્લાસ્ટિકનાં બટન પણ ગળાવી દીધેલાં ! પણ કદી એમનો વાળ વાંકો થયો નહોતો. કોઈ ખતરનાક હેતુસર એમને મારી નંખાયા હોય એવું બને, બાકી રણછોડલાલ કોઈ દર્દથી કે મારી દવાથી મરે એમ હતા જ નહીં ! રણછોડલાલના દેહવિલયથી મારે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. મારે માટે રણછોડલાલ નહીં પણ એમનો અભૂતપૂર્વ દેહ અગત્યનો હતો ! કદાચ એ ચાર-છ મહિના વધુ જીવ્યા હોત તોયે હું મારા દવાખાનામાં નવું ફર્નિચર વસાવી શક્યો હોત ! મારા વ્યથિત હૃદયની એ જ પુકાર છે કે…. ઓ જાનેવાલે હો શકે તો… લૌટ કે આના !’

સુપુત્ર બચુડો :

‘મારે મારા બાપા સાથે ઊભેય બનતું નહીં… એનો અર્થ એ નહીં કે મારી હાજરીમાં તમે એમને આવી અવળચંડી અજંલિઓ આપો ! એટલું યાદ રાખજો કે મારા બાપા વિષે મનફાવે એવું બોલવાનો હક મારા સિવાય બીજા કોઈને નથી. હવે પછી જો બીજો કોઈ આડુંઅવળું બોલ્યો તો ગલીઓમાં રખડતો કરી દઈશ ! મારા બાપાની મિલકતમાંથી મારે કશું જોઈતું નથી ! કશું છે પણ નહીં ! ને… ધ્યાનપૂર્વક સાંભળી લો કે એમણે કરેલાં કોઈ પણ પ્રકારનાં દેવાઓને ભરપાઈ કરવાની જવાબદારી મારી નથી. જો મારા બાપાનો આત્મા આટલામાં ક્યાંક ભટકતો હશે તો મારા વિચારો સાંભળી એને શેર શેર લોહી ચઢતું હશે ! મારા બાપાનો એક મુખ્ય સિદ્ધાંત હતો કે ‘દેવાં’ ફક્ત કરવા માટે હોય છે, ચૂકવવા માટે હોતા નથી ! હું સૌથી હાજરીમાં પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે એમના સિદ્ધાંતને પગલે ચાલવા હું પ્રમાણિકપણે બનતી કોશિશ જીવનપર્યંત કરતો રહીશ. આથી સારી અંજલિ બીજી કઈ હોઈ શકે ?’

સંતોકબા (મિસિસ રણછોડલાલ) :

‘આજથી પિસ્તાળીસ વરસ પહેલાં જ્યારે ભારત ગુલામ હતું ત્યારે અમારા એ આઝાદી ભોગવતા’તા પણ કાંકરિયાને કિનારે અચાનક અમારી આંખો ચાર થયેલી ને ત્યાર પછી એમની દશાયે ભારત જેવી થયેલી. જો કે ભારતને તો પાછળથી આઝાદી પાછી મળેલી ! એ જમાનામાં કાંકરિયાને કિનારે ભેળપૂરીવાળા કે આઈસ્ક્રીમવાળા તો શોધ્યાયે ન જડે, એટલે એકબીજાને જોયા વિના બીજું શું કરવાનું ? એટલે બેઉને એવું લાગ્યું કે અમે પ્રેમમાં છીએ ! પરણ્યા પછી ભૂલ સમજાઈ ત્યારે તો ઘણું મોડું થઈ ગયેલું. એક જ્યોતિષીએ તો એમને કહેલું કે… હજીયે છૂટા પડી જાવ તો સારું, કારણ કે તમે ક્યારેય કોઈ બાબત પર એકમત નહીં થઈ શકો ! ને… ખરેખર છૂટા પડવાની બાબત પર અમે એકમત ન થઈ શક્યા. સમજો કે જિંદગી આખી આમ ને આમ ઢસડી નાંખી મારા ભૈ ! આજે અનુભવું છું કે અમારા એ ફરી એક વાર આઝાદ થયા છે ! બસ… આઝાદી અમર રહો !’

કવિ શ્રી ‘કોમલ’ :

‘એક એવી સવાર ઊગી કે… સૂર્યના કિરણોનો પીળચટ્ટો સ્પર્શ રોમેરોમને દઝાડી ગયો ! કેમ ફૂલોના મ્લાન ચહેરાઓ પર સ્તબ્ધતા લીંપાઈ ગઈ ? ઓતરાદા ડુંગરની પેલે પારથી આવતા પંખીઓના લયબદ્ધ કલરવ કયાં રોકાઈ ગયા ? પ્રશ્નાર્થ બની ઊભેલી ખામોશ હવામાં કોણ તરફડી મર્યું છે ? ક્ષિતિજના રંગો કોઈ લૂંટી ગયું કે ? અરે કોઈ ઉષાની આંખથી ટપકતા વૈધવ્યને ઝીલો !! હવે મારાથી એની સફેદી નથી જીરવાતી… યુગોથી હાંફતું’કો હરણ જરૂર પછડાયું છે… નહીં તો ઝાંઝવામાં ધબાકો થાય ના ! અરે એની ફાટેલી આંખમાં વિસ્તરતા રણમાં જુઓ…. કે રણ છોડીને કોણ જઈ રહ્યું છે ? ને… મસ્તિષ્કને સાતમે કોઠે ઊઠી રહેલાં ધુમ્મસોમાં પડઘાય છે… રણછોડ ! રણછોડ ! જે હવે નથી. શૂન્ય બની ઓગળી ગયો છે એ ! એનાં રૂપ રંગ-આકાર એ સોંપતો ગયો છે તમને.. એ તમે યાદોના ભંડકિયામાં સાચવી રાખજો. એ તો કોઈ અકળ તત્વ થઈ અનંતમાં વ્યાપી ગયો છે ! તમે કૅલેન્ડરનાં ખરેલાં પાનાંઓમાં એના અસ્તિત્વના પડછાયાઓ શોધતા હશો ને શક્ય છે કે એ ગગનહિંડોળે હેલે ચડી વાદળ જેવું હસતો હોય ! આમ જુઓ તો એના હોવાના અણસાર સમસ્ત બ્રહ્માંડના અણુએ અણુમાં છે ! લ્યો આંખો પર છાજલી કરો… જુઓ પેલા ગુંજતા ભમરામાં રણછોડ છે ! સરોવરમાં ઊઠતાં વલયોમાં રણછોડ છે ! ખાબોચિયામાં ખરડાયેલી ભેંસની નયનરમ્ય પાંપણોના પડછાયામાં રણછોડ છે ! અરે છાણમાં ખદબદતા કીડાઓમાંય….

લેખકની નોંધ :

કવિ શ્રી ‘કોમલ’ની બોચી ઝાલીને બેસાડી દઉં છું ! કારણ કે એક તો એની અંજલિ અનંતકાળ સુધી લંબાય એવડી છે… ને બીજું એ કે કાલ્પનિક રીતે મારી નંખાયેલા રણછોડલાલ વાસ્તવિક રીતે આ સામેથી જ આવતા દેખાય છે, એટલે હવે આપણી ભવ્ય-કાલ્પનિક શોકસભા બરખાસ્ત કરવી જ રહી ! રણછોડલાલ ખરેખર મરે ત્યાં લગી આપ સૌના આત્માને શાંતિ મળો એ જ હૃદયની પ્રાર્થના !

“પાર્કિંગ પ્રૉબ્લેમ ! ”

અમદાવાદમાં વસવા માટે વાહન વસાવવાનું અનિવાર્ય ગણાય છે. પણ બધા વાહનચાલકો પોતાનાં વાહનો સરળતાથી પાર્ક કરી શકે એવી પાર્કિંગ-વ્યવસ્થા અત્ર-તત્ર-સર્વત્ર હોવી જોઈએ એવું સ્વીકારાયું નથી. એટલે પછી વાહનચાલકો અત્ર-તત્ર-સર્વત્ર આડેધડ પોતાનાં વાહનો પાર્ક કરી દે છે. ‘અમદાવાદમાં પાર્કિંગ પ્રૉબ્લેમ – એક વિવેચનાત્મક અભ્યાસ’ પી.એચ.ડી.ની ડિગ્રી માટે અભ્યાસ થઈ શકે એટલી ગુંજાશ છે આ વિષયમાં. ‘દરવાજા સામે વાહન પાર્ક કરવાં નહિ’ એવી નોટિસો ખાનગી મકાનોના કેટલાક માલિકો મૂકે છે. એ દરવાજા સામે બે-ચાર વાહનો પડ્યાં જ હોય છે ! કેટલાકને તો, દાખલા તરીકે મને, આવી નોટિસ વાંચીને જ ત્યાં વાહન પાર્ક કરવાની પ્રેરણા મળે છે. (એકવાર તો મેં ટ્રાફિક નિયમનખાતા તરફથી મુકાયેલા ‘નો પાર્કિંગ’ના લખાણવાળા થાંભલાને અડકાડીને જ મારું સ્કૂટર પાર્ક કર્યું હતું અને કડદો કરવામાં નિષ્ફળ જવાને કારણે દંડ પણ ભર્યો હતો.) કેટલીક વાર સ્કૂટર પાર્ક કર્યા પછી આજુબાજુ એટલાં બધાં સ્કૂટર પાર્ક થઈ ગયાં હોય છે કે એ ચક્રાવામાંથી સ્કૂટર બહાર કાઢવાની અભિમન્યુવિદ્યા જેને આવડતી હોય એ જ સ્કૂટર બહાર કાઢી શકે. આવી કોઠાવિદ્યાની જાણકારીના અભાવે એકવાર આવા ચક્રાવામાંથી સ્કૂટર બહાર કાઢવા જતાં એક મોટરસાઈકલ આખી અને એક સ્કૂટર અર્ધું – મારા પર એવી રીતે ગોઠવાઈ ગયાં કે સ્કૂટર બહાર કાઢવાની વાત તો બાજુ પર રહી પણ હું પોતે ચાર-પાંચ પરોપકારી સજ્જનોની સઘન મદદ પછી માંડ બહાર નીકળી શક્યો હતો.


રસ્તા પર વાહનો પાર્ક કરવાં એ ગુનો ગણાય છે. પણ અમદાવાદમાં ગાય પોતે ઈચ્છે ત્યાં પાર્ક થઈને ઊભી રહે છે એ ગુનો બનતો નથી. મરજીમાં આવે ત્યાં પાર્ક થઈને ઊભી રહેતી ગાયને ઉપાડીને કોઈ ટ્રકમાં ચડાવી દેતું નથી. (એ રીતે સરકાર અને એનું ટ્રાફિક નિયમનખાતું પોતાનો સંસ્કૃતિપ્રેમ બતાવી રહ્યાં છે.) પણ ટ્રાફિક નિયમનખાતાની ગાડી નીકળે છે અને સ્કૂટરોનાં અપહરણ થવા માંડે છે. પૃથ્વીરાજ ચૌહાણ જેવા વીર પુરુષો સ્વયંવર મંડપમાંથી બધાંના દેખતાં જ પોતાને મનથી વરી ચૂકેલી કન્યાને ઉઠાવી જતા. આ વીર ટ્રાફિકવાળાઓ પણ એ જ રીતે ધોળે દિવસે બધાંના દેખતાં જ સ્કૂટરો ઉપાડી જાય છે. વાહનચાલકની મંજૂરી વગર આ રીતે એનું વાહન ઉઠાવી જવું એ ગુનો ગણાય પણ સરકારી ખાતું આમ કરે ત્યારે કાયદેસરની કાર્યવાહી ગણાય છે. એટલે હું સ્કૂટર ચલાવી રહ્યો હોઉં ને અપહરણકર્તાઓની ગાડી નજરે પડે તો હું એટલો બધો ભયભીત થઈ જાઉં છું કે સ્કૂટરનું બૅલેન્સ જાળવવાનું ખૂબ અઘરું થઈ પડે છે. આવા અપહરણમાંથી મારા સ્કૂટરને ઉગારવા જતાં જે આપત્તિ થઈ એની કથા જાણવા-માણવા જેવી છે એટલે લખ્યા વગર રહી શકતો નથી.
અમદાવાદમાં ‘મીઠાખળી છ રસ્તા’ નામનો વિસ્તાર છે. આ છ રસ્તામાંના એક રસ્તા પર કૉર્પોરેટ ક્ષેત્રની એક બૅન્ક આવેલી છે. આ બૅન્કમાં મારે ઓછામાં ઓછું મહિને એક વાર જવાનું થતું હતું – ડિપૉઝિટ મૂકવા માટે નહિ, બૅન્કમાંથી લીધેલી લોનનો હપતો ભરવા માટે. એક દિવસ લોનનો હપતો ભરવા જઈ રહ્યો હતો. તમે બાળકોને નિશાળે જતાં ને નિશાળેથી છૂટતાં જોયા છે ? નિશાળના દરવાજામાં પ્રવેશે ત્યારે પડી ગયેલાં મોઢે ને ઘસડાતા પગે પ્રવેશે પણ છૂટતી વખતે દરવાજામાંથી નીકળે ત્યારે હર્ષોલ્લાસથી કિકિયારીઓ કરતાં નીકળે. એ જ રીતે મારે જ્યારે લોનનો ચૅક લેવા બેન્કમાં જવાનું હોય છે ત્યારે મારું હૃદય ભારે ઉત્સાહમાં હોય છે, સ્કૂટરની સ્પીડ અમથી-અમથી વધી જાય છે, પરંતુ લૉનનો હપ્તો ભરવા બૅન્કમાં જવાનું થાય છે ત્યારે મારો ઉત્સાહ એકદમ મંદ પડી જાય છે. હૃદય વિષાદનો અનુભવ કરે છે. સ્કૂટર અમથું-અમથું ધીમું પડી જાય છે. હું જાણું છું કે બૅન્કોની લોનના હપતા ન ભરીએ તો ચાલે, ઓછામાં ઓછું નિયમિત ન ભરીએ એટલું તો ચાલે જ એવું માનનારો મોટો વર્ગ આપણે ત્યાં છે. મને પણ આ પ્રમાણે માનવાનું અને એ માન્યતા પ્રમાણે આચરણ કરવાનું ગમે. પરંતુ આ માટે જે હિંમત જોઈએ એ ‘હિંમત’ નામધારી વ્યક્તિનો ભાઈ હોવા છતાં મારામાં નથી એટલે લોનના હપતા ભલે કચવાતા જીવે પણ હું નિયમિત ભરું છું. તે દિવસે આ રીતે ખિન્ન હૃદયે લોનનો હપતો ભરવા જઈ રહ્યો હતો. ત્યાં દૂરથી મેં સ્કૂટર અપહરણ-કર્તાઓની ગાડી જોઈ. બહુ ઉત્સાહથી સ્કૂટરોને અપહરણ-ગાડીમાં નખાતાં જોયાં. એક ભાઈ પોતાનું સ્કૂટર પાછું મેળવવા કાલાવાલા કરી રહ્યા હતા. મારી નબળી આંખે પણ મને આ બધું સ્પષ્ટ દેખાયું.

બૅન્ક પાસે સ્કૂટર ઊભું રાખવાને બદલે હું આગળ છ રસ્તા પર લઈ ગયો. હું એટલો બધો ગભરાઈ ગયો હતો કે મને થયું કે સ્કૂટર ધીમું પણ પાડીશ તો આ લોકો મને પણ સ્કૂટર સહિત અપહરણ-ગાડીમાં ચડાવી દેશે ! છ રસ્તા સુધી તો પહોંચી ગયો પણ ત્યાં ટ્રાફિક એટલો બધો હતો કે આમ જાઉં કે તેમ જાઉં – એવું વિચારવાનો વખત નહોતો. એક ફિલ્મી ગીતમાં નાયક ગાય છે કે ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઈસ ગલી મેં હમે પાંવ રખના નહિ’ મારી મન:સ્થિતિ એથી ઊલટી હતી : ‘જિસ ગલી મેં તેરી ગાડી ખડી હો મહેરબાં, ઉસ ગલી મેં હમેં સ્કૂટર રખના નહિ’. છમાંની એક ગલીમાં સ્કૂટર વાળીને દૂર-દૂર લઈ ગયો. ત્યાં એક ખાંચો જોયો. એ ખાંચામાં કેટલાંક સ્કૂટરો પડેલાં મેં જોયાં. મેં ત્યાં સ્કૂટર પાર્ક કરી દીધું. તાપ એટલો બધો હતો કે ઘડીક તો અહીં હું શા માટે આવ્યો છું ને મારે ક્યાં જવાનું છે તેવા, સામાન્ય રીતે તત્વજ્ઞાનીઓને થાય તેવા, પ્રશ્નો મને થવા માંડ્યા. મેં તાપથી રક્ષણ મેળવવા માથા પર ટોપી ધારણ કરી હતી. આ કારણે તાપ ઓછો આવતો હતો, પણ વિચારો બિલકુલ આવતા નહોતા. સ્કૂટર પાસે જ સ્થિર થઈને હું થોડી વાર ઊભો રહ્યો. આખરે મને યાદ આવ્યું કે હું બૅન્કની લોનનો હપ્તો ભરવા નીકળ્યો છું. હું ખાંચાના છેડા પર આવ્યો, ત્યાં એક ખાલી રિક્ષા જોઈ. તાપથી હું એટલો બધો અકળાઈ ગયો હતો કે બૅન્ક બહુ દૂર નહોતી. તોય મેં રિક્ષા ઊભી રખાવી અને એમાં હું બેસી ગયો અને એ રીતે બૅન્કમાં પહોંચ્યો.

લોનના હપતાનો ચૅક ભરવા મેં સ્લિપ મેળવી. સ્લિપમાં ડિપૉઝિટરનો રસીદ નંબર ભરવાનો આવ્યો. રસીદનંબરવાળી પાવતી તો સ્કૂટરની ડીકીમાં રહી ગઈ હતી ! હવે ? હું દર મહિને લોનનો હપતો ભરવા આવતો હતો એટલે કાઉન્ટર પરના અધિકારી મને એક પ્રમાણિક દેણદાર તરીકે દીઠે ઓળખતા હતા. મેં એમને રસીદનંબર જોઈ આપવા વિનંતી કરી. એમણે મારું નામ પૂછ્યું – મેં ‘રતિલાલ બોરીસાગર’ કહ્યું. એમણે કમ્યૂટરની કળો દબાવી, બે-ત્રણ વાર દબાવી – પછી કહે, ‘નામ ખોટું લાગે છે.’ જે નામ મને જન્મ પછી તરત મળ્યું હતું, જે નામથી મેં મારું ભણતર પૂરું કર્યું હતું, લગ્નની કંકોતરીમાં જે નામ છપાવીને મેં લગ્ન કર્યાં હતાં, જે નામથી એકતાળીસ વરસ નોકરી કરી હતી – એ નામ ખોટું છે, એવું જિંદગીના ઉત્તરાર્ધમાં સાંભળીને ઘડીભર તો હું ડઘાઈ ગયો. મેં નમ્રતાથી કહ્યું, ‘હું બહુ બધું ભૂલી જાઉં છું તે સાચું છે, પણ મારું પોતાનું નામ ભૂલી જાઉં એટલો સ્મૃતિભ્રંશ હજુ નથી થયો.’
‘એમ નહિ. આને બદલે બીજા કોઈ નામે ડિપૉઝિટ હશે.’ અધિકારીએ કહ્યું.
‘મારે નામે પણ આટલી ડિપૉઝિટ માંડ મૂકી શક્યો છું. બીજાને નામે ડિપૉઝિટ મૂકી શકું એવો સમૃદ્ધ હું ક્યારેય હતો નહિ ને લાગે છે કે હઈશ પણ નહિ.’
‘તમે રતિલાલ પછી શું કહ્યું હતું ?’
‘બોરીસાગર.’
‘બોરીસાગર શું છે ?’
‘અટક છે.’ – મારા આ જવાબ પછી અધિકારીએ ફરી કમ્યૂટરની કળો દબાવી. રસીદનંબર મળ્યો. આ રસીદનંબર મળતાં અધિકારીએ કહ્યું, ‘તમારે અટક પહેલાં બોલવી જોઈતી હતી.’
‘હવે લોનનો હપતો ભરવા આવીશ ત્યારે એમ કરીશ.’ મેં કહ્યું.
‘ના, હવે આવો ત્યારે નંબર ઘરેથી લખીને જ લાવજો.’
‘ઓ.કે.’ મેં કહ્યું.

બૅન્કમાંથી નીકળી હું ચાલતો-ચાલતો ફરી મીઠાખળી છ રસ્તા પર આવ્યો. પણ હવે જ ખરી સમસ્યા ઊભી થઈ. આ બૅન્કના રસ્તા સિવાય બીજા પાંચ રસ્તા હતા. આ પાંચમાંથી ક્યા રસ્તે જઈને મેં કોઈ ખાંચામાં સ્કૂટર પાર્ક કર્યું હતું, તે યાદ કરવાનો મેં પ્રયત્ન કર્યો. પણ કશું યાદ આવ્યું નહિ. હું સ્કૂટર લાવ્યો હતો કે નહિ, એ જ યાદ કરતાં ઘણી મુશ્કેલી પડી. ‘ટૅક્સી-ડ્રાઈવર’ નામની જૂની ફિલ્મમાં ફિલ્મનો હીરો દેવાનંદ એક ગીત ગાય છે. તલત મહમૂદના મખમલી કંઠથી એ ગીત ગવાયું છે : ‘જાયેં તો જાયેં કહાં, સમજેગા, કોન યહાં, દર્દભરે દિલ કી જુબાં…. જાયેં તો જાયેં કહાં ?’ મને પણ આવો જ પ્રશ્ન થવા માંડ્યો. ક્યાં જાઉં ? ક્યા રસ્તે જાઉં ? અત્યારે મારા હૃદયમાં જે દર્દ છે તે પાર્કિંગના આયોજનની જેની પાસે સત્તા છે કે સ્કૂટરનું અપહરણ કરી જવાની જેમની સત્તા છે તે સમજશે ? કોણ સમજે ? શા માટે સમજે ?

છ રસ્તા પર આમ હું મનોમંથન કરતો ઊભો હતો, ત્યાં એક રિક્ષા મારી પાસે ઊભી રહી. રિક્ષાવાળા ભાઈએ પૂછ્યું : ‘અરે સાહેબ, હજુ અહીં છો ? સ્કૂટર નથી લઈ આવ્યા ?’ મેં જોયું કે સ્કૂટર મૂકીને હું જે ખાંચા પાસેથી રિક્ષામાં બેસીને બૅન્ક પાસે આવ્યો હતો એ જ આ રિક્ષા હતી ! ચમત્કારો આજેય બને છે ! સાક્ષાત પ્રભુ ગરુડ પર બેસીને મારી સમસ્યા હલ કરવા આવ્યા હોય એવો આનંદ મને થયો. મેં પૂછ્યું, ‘જે ખાંચા પાસેથી હું તમારી રિક્ષામાં બેઠો હતો તે ખાંચા સુધી તમે મને લઈ જઈ શકો ? એ ખાંચો અહીંથી તમને જડે ?’
‘હા-હા કેમ નહિ ? હું આંખો મીંચીને રિક્ષા ચલાવું તોય ખાંચો જડી જાય.’ રિક્ષાવાળા ભાઈએ કહ્યું. આંખો મીંચીને રિક્ષા ચલાવવાની એમની વાતથી હું થોડો ગભરાયો. પણ પછી સમજ્યો કે એ સાહિત્યની ભાષામાં બોલ્યા હતા. હું રિક્ષામાં બેઠો. થોડી જ વારમાં રિક્ષાવાળા ભાઈ મને પેલા ખાંચા પર લઈ આવ્યા, એટલું જ નહિ, રિક્ષા ખાંચામાં વાળીને બરાબર મારા સ્કૂટર પાસે જ ઊભી રાખી !

“મારી જીવનયાત્રા ઉર્ફે (ઉફફ !) ”

છેલ્લાં ઘણાં વર્ષોથી હું સારી તંદુરસ્તી ભોગવું છું અને ઈશ્વરકૃપા હશે તો બીજાં પચાસેક વર્ષ આમ જ તંદુરસ્ત રહીને પૂરાં કરવાં એવું વિચાર્યું છે. મનથી પણ હંમેશા ખુશ રહેવાના પ્રયત્નોમાં જ રહું છું. પણ ખબર નહીં કેમ જ્યારે જ્યારે કોઈ મહાન માણસની આત્મકથા વાંચું છું ત્યારે ત્યારે મન દુ:ખી થઈ જાય છે. આજ સુધી મેં મારી આત્મકથા કેમ ન લખી ?

એમ તો મેં મારી જીવનકથા હપ્તે હપ્તે ઘણી વાર લોકો આગળ કહેવાની શરૂ કરી હતી પણ દર વખતે કોઈને કોઈ બહાનું કાઢીને લોકો છટકી જતા હતા. તેથી બોલવાનું માંડી વાળી લખવા પર ધ્યાન આપવું એવું નક્કી કરી આત્મકથા લખવા વિચાર્યું. આત્મકથા જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થશે ત્યારે કોઈક ને કોઈક તો એને ખરીદશે જ ને ? એટલે પૈસા વસૂલ કરવા ખાતર પણ એ નિર્દોષ માનવીએ મારું પુસ્તક-મારી કથા વાંચવી જ પડશે. વળી, જન્મકથાથી માંડી આજ સુધીનાં વર્ષોની અવનવી કથાઓ ફિલ્મની જેમ મગજમાં ઘૂમરાતી રહે, ચકરાતી રહે એના કરતાં એક જગ્યાએ ઠરીઠામ થાય તો ઠીક એવા શુભ આશયથી આખરે કથા લખવી જ એવો દઢ નિશ્ચય કરી લીધો. તેથી આજના શુભ દિને શુભ સંકલ્પ કરીને મારી આ જીવનયાત્રાની કથાનો શુભ આરંભ કરં છું. આશા છે કે પ્રભુકૃપાથી જલદી, એ નિર્વિઘ્ને પૂર્ણ થશે. (યાત્રા નહીં, કથા)

આમ જોવા જઈએ તો દરેક મનુષ્યની કથા કોઈ નવલકથાથી કમ હોતી નથી પણ પોતે જ્યારે એને વર્ણવા કે લખવા ચાહે ત્યારે એનાઅ રૂપરંગ કંઈ ઓર જ નીખરી આવતાં હોય છે. એટલે મેં પણ યથા યાદશક્તિ આ કથા લખવાનું બીડું ઝડપ્યું છે. કદાચ કોઈને એમ પણ થાય કે, એક સામાન્ય સ્ત્રી કે ગૃહિણીની આત્મકથામાં વળી વાંચવા જેવું શું હશે ? સાસુ-નણંદ કે પતિ ને પડોશેની પંચાત સિવાય કંઈ લેવાનું નહીં હોય. પણ મારો તો નિયમ છે કે, હાથમાં આવેલું પડીકું પણ ‘છોડવું’ નહીં. પડીકાના કાગળમાં અજાયબ સૃષ્ટિ હોય છે ! પડીકામાં વીંટાળેલી વસ્તુ ગૌણ બની જાય છે, ત્યારે એ તેલિયા કાગળનું મહત્વ વધી જાય છે. મતલબ કે બધું જ વાંચવું. ક્યારે કોની કથા વાંચવા મળી જાય ને એના જીવનમાંથી કંઈક શીખવા પણ મળી જાય, શી ખબર !


મારે મારી જીવનકથા ફક્ત મારાં કુટુંબીજનો, મિત્રો કે સ્નેહીઓને જ અર્પણ નથી કરવી. બલ્કે સમસ્ત માનવજાતને ઉપયોગી બને એવી આ કથાને ભવ્ય સમારોહ દ્વારા લોકો સમક્ષ પેશ કરીશ. જેમ મેં મારા જીવનમાં વૃદ્ધોથી માંડીને બાળકોને સુદ્ધા ગુરુ બનાવ્યા છે તેવું હું પણ ઈચ્છું છું કે, આ પુસ્તક દુનિયાના મહાનુભાવોથી માંડીને મારી કામવાળીનાં બાળકોને પણ એટલું જ ઉપયોગી નીવડે. આ પુસ્તકમાં કદમ કદમ પર માર્ગદર્શન હશે. હજી જો કે વાર છે, છતાં ભવિષ્યમાં હું રહું કે ન રહું ને કોઈને કંઈ મુશ્કેલી આવી પડે કે એ મુસીબતોથી ઘેરાઈ જાય ત્યારે એમ ન વિચારે કે, મારે ક્યાં જવું ? કોને શરણે થવું ? કોની સલાહ લેવી ? આડાઅવળા વિચારે કે પુસ્તકે કે પંથે ચડી જતાં પહેલાં મારું આ પુસ્તક એક વાર જે ઉઘાડશે તેને માટે તેની દરેક સમસ્યાનો હલ હાજર સ્ટૉકમાં મળશે. કારણ કે જેમ દરેક મોટા ભાગના માણસનું હોય છે તેમ મારું જીવન જ મારો સંદેશો છે. ફક્ત તમને એ સંદેશો ગળે ઊતરવો જોઈએ !

જેમ મનુષ્યની ઉંમર થતાં તે વડીલ ગણાવા માંડે ને લોકો તેની સલાહ લેવા આવે, અનુભવી સમજીને. તેમ મેં પણ વડીલ ગણાવા સલાહો આપવાની ચાલુ કરી દીધી છે. સલાહ માગવા આવનારને નિરાશ કરવાનું પાપ હું માથે લેવા માંગતી નથી. તેથી જ શાંતિથી એને સાંભળીને કે એવો દેખાવ કરીને પણ એની સમસ્યા મુજબ મને જેવી સમજ પડે એવી નાની-મોટી સલાહો આપું છું. પછી કહું કે, ‘આમાંથી તને યોગ્ય લાગે તે કર. તારી મરજી.’ પણ થાય એવું કે, સમયના અભાવે દરેક ઘણા દુ:ખીઓ તો આવતાં પણ અચકાય કે, એક સ્ત્રી પાસે સલાહ લેવાની ? એટલે જો આ પુસ્તક તેમની પાસે હોય તો અધરાત-મધરાત ગમે ત્યારે મારી સલાહનો લાભ લઈ શકે. (જોકે મારા હિતેચ્છુઓ ગણગણે છે કે, એ વળી ક્યારથી ડાહી થઈ ગઈ ? એનામાં ઠેકાણાં નથી ને…. એના કરતાં અમે કહીએ તેમ કરો !)

મારા જીવનના ઘડતરમાં મારાં કુટુંબીજનો, શિક્ષકો, નર્સો, ડૉક્ટરો, પાડોશીઓ, મિત્રો ને શત્રુઓનો પણ ફાળો રહ્યો છે. હું તો ત્યાં સુધી કહીશ કે પાળેલાં કે ન પાળેલાં પશુ-પક્ષીઓનો પણ મારા માથે ભાર છે. પણ દરેકનો ઉલ્લેખ કે પ્રસંગ યાદ હોવા છતાં પુસ્તકમાં સમાવી શકાય એમ ન હોવાથી પહેલેથી જ સૌની ક્ષમા ચાહું છું. કારણ કે પછી તો આ પુસ્તક, પુસ્તક ન રહેતાં એક મહાન ગ્રંથ બનવા તરફ ગતિ કરવા માંડશે. ને હું નથી ઈચ્છતી કે, એ મહાન ગ્રંથને લોકો પછી માથું ઠોકવાના કામમાં લે ને કોઈ વાર વળી કોઈ રડ્યાખડ્યાને માથે ચડાવવાનું મન થાય. ત્યારે લોકો એની મશ્કરી કરે ! એટલે બને તેટલું ટૂંકમાં લખીને નાનકડું, રૂપકડું પુસ્તક બને એની કાળજી રાખીશ. એમાં ફક્ત ને ફક્ત મારાં સંદેશો, સૂચનો, સલાહો ને ઉપદેશો સિવાય બીજું કંઈ જ નહીં હોય એની પૂરતી કાળજી રાખીશ. જનહિતાર્થે આ પુસ્તકના થોડા અંશો રજૂ કરું છું જેને જોતાં જ સુજ્ઞજનો તો તરત જ આ પુસ્તકના મહત્વને સમજી શકશે. એમાં દર્શાવેલા નિયમોનું પાલન કરતાં સૌને સુખ અને શાંતિ મળશે – કદાચ ડગલે ને પગલે આવતી મુશ્કેલીઓમાંથી આસાનીથી માર્ગ કાઢી શકશે – કદાચ. કારણ કે ‘કદાચ’ શબ્દ મારો મુખ્ય આધાર છે.

[1] જે પોતાનો માર્ગ પોતે શોધે છે તે જ સફળતાના શિખરે પહોંચે છે. જેમ કે, હું (!). જે બીજા પર આધાર રાખે છે તે ભટકતો રહે છે. જેમ કે આ પુસ્તક વાંચનાર ! છતાં આ પુસ્તક તો વાંચવું જ.

[2] પૈસેટકે પાયમાલ ન થવાય તેથી તંદુરસ્તીના બધા જ નિયમો પાળવા. ને ન પળાય તો ગભરાઈને ડૉક્ટરને શરણે જવું. જીવવાની ઈચ્છા મરવા ન દેવી.

[3] બધાં જ આવું ઘડપણ ઈચ્છે છે કે, મરતાં સુધી હાલતાં-ચાલતાં રહીએ તો સારું. કોઈની આશા રાખવી નહીં. હું તો એટલે સુધી કહું છું કે, ભવિષ્યમાં નનામી ઊંચકનાર પણ નહીં મળે. સ્મશાને ચાલતાં ચાલતાં પહોંચી જવાય એવા અડીખમ રહો, ને પછી ત્યાં જઈને….

[4] આ જીવન શા માટે છે ? કોના માટે છે ? કેવું જીવવું જોઈએ ? શું કરવું જોઈએ ? વગેરે જીવનને લગતા પ્રશ્નોનો સતત વિચાર કરતા રહો ને એમાં જ જીવન વહી જવા દો. કંઈ ફરક નહીં પડે.

[5] પહેલાંના લોકો એવું માનતા કે, બીજાના જીવનના કાંટા વીણી લઈ એમના માર્ગમાં પુષ્પો પાથરવાથી આનંદ અને સંતોષ મળે છે. પણ આજના જમાનામાં પોતાની ઉપાધિઓ ઓછી છે તે બીજામાં ડખા કરવા જવાના ? એનાં કરતાં એમને આ પુસ્તક ભેટ ધરી દેવું. એટલે બધાને પોતાના પ્રશ્નો જાતે જ ઉકેલતાં આવડી જશે.

[6] ફળની આશા રાખ્યા વગર જ કામ કરતા રહો. મારા પુસ્તકમાંથી પ્રેરણા લો. મેં ક્યારેય વિચારેલું કે, મારી સલાહોનું પુસ્તક બહાર પડશે ?

[7] હજાર દુ:ખોને રસ્તે ગયા પછી જ એક સુખનો રસ્તો મળે છે. માટે જ સુખના શોર્ટ કટને માટે હાજર છે આ પુસ્તક !

આવી તો કેટલીય રત્નકણિકાઓ કે ચિંતનકણિકાઓ (કણિકા એટલે શું ? એ ન પૂછશો.) આ પુસ્તકમાં સમાવી છે. એમ તો કહેવા જેવું ને લખવા જેવું તો અઢળક છે. જેમને ખરેખર રસ પડે તેમણે વધુ સલાહો મેળવવા પત્રવ્યવહાર કરવો. પરોપકાર મારા જીવનનો ધ્યેય હોવાથી વિનામૂલ્યે સલાહો રવાના કરાશે. પણ જોજો, ભૂલમાંય મારે રસ્તે ચાલીને તમે સલાહ આપવાના રસ્તે વળી ના જશો. નહીં તો મને કે મારા પુસ્તકને કોણ પૂછશે ?